
દિલ્હીમાં ‘લહેરા દો તિરંગા’ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા CJPના અભિજિત દીપકે અને AISAના નેહા બોરાની પોલીસે અટકાયત કરી. કનોટ પ્લેસ અને મંડી હાઉસથી અટકાયત બાદ તેમના સંગઠનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સંગઠનોનો આક્ષેપ છે કે બંનેને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે અને વકીલોને પણ મળવા દેવાતા નથી. CPI(M) સાંસદ બ્રિટાસ અને તામિલનાડુના પૂર્વ CM સ્ટોલીને પણ આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી મુક્તિની માંગ કરી.
Delhi Tiranga March : દિલ્હીમાં યોજાનારા ‘લહેરા દો તિરંગા’ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા અભિજિત દીપકે અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના પ્રમુખ નેહા બોરાની દિલ્હી પોલીસે શુક્રવારે અટકાયત કરી લીધી છે. અભિજિત દીપકે કનોટ પ્લેસ અને નેહા બોરા મંડી હાઉસ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે આ પગલું ભર્યું હતું.
બંને નેતાઓ ક્યાં છે? સંગઠનોએ ઉઠાવ્યા ગંભીર સવાલો
અટકાયત બાદ CJP અને AISA દ્વારા તેમના નેતાઓના લોકેશનને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સંગઠનોનો આક્ષેપ છે કે, અટકાયતમાં લીધા બાદ તેમને તેમના વકીલો કે સાથીદારો સાથે મળવા દેવામાં આવી રહ્યા નથી. CJPનું કહેવું છે કે પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે.
AISAનો દાવો: નેહા બોરાને એકલા અજ્ઞાત સ્થળે રખાયા
બીજી તરફ, AISAએ આરોપ લગાવ્યો છે કે તેમની પ્રમુખ નેહા બોરાને પહેલા મંગોલપુરી સ્થિત એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સમાં એકલા રાખવામાં આવ્યા હતા અને બાદમાં કોઈ અજ્ઞાત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. રાત્રે 8 વાગ્યા સુધી પણ નેહા બોરા સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. સંગઠને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે પોલીસ વકીલોને પણ મળવા દેતી નથી.
