
અમદાવાદ,
ગુજરાત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ આદેશ: રાજ્ય સરકાર અને ભરતી બોર્ડને ઝાટકો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં યોજાઈ રહેલી વર્ગ-૩ની ભરતી પ્રક્રિયામાં એક જગ્યા ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે અનામત (આરક્ષિત) રાખવાનો મહત્ત્વનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ભાવનગરના એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે પોતાની દાદ માગતા અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે, રાજ્યમાં ચાલતી પોલીસ ભરતી પ્રક્રિયામાં ત્રીજી જાતિના લોકો માટે અલગ કેટેગરી બનાવવામાં આવે અને તેમને નોકરીમાં યોગ્ય તક પૂરી પાડવામાં આવે.
અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટ્રાન્સજેન્ડર સમુદાયના હકો અને સમાન તકના અધિકારને ધ્યાને રાખીને પ્રાથમિક રાહતરૂપે ચાલુ ભરતી પ્રક્રિયામાં એક બેઠક અનામત રાખવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતના આ વચગાળાના આદેશથી ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સરકારી ક્ષેત્રે, ખાસ કરીને પોલીસ દળમાં, રોજગારીના નવા દ્વાર ખુલવાની આશા જાગી છે.
